Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘વ્યક્તિત્વ’ Category

Advertisements

Read Full Post »

૬૦૩ યુગલો અને ૧૮૦૦ મંડપ ‘મોટી’ જાન લાવનારનું સન્માન

જ્ઞાાતિ-ધર્મનાં રીત-રિવાજ પ્રમાણે ધામધૂમથી થનાર વિવાહ અને નિકાહ ઃ કન્યાઓને ટ્રક ભરીને અપાશે કરીયાવર, ૨૦૦૦ સ્વયંસેવકો સજ્જ, વોકીટોકીની પણ સુવિધા

પોરબંદરનાં રાણાકંડોરણાથી આઠ કિ.મી.નાં અંતરે આવેલા નેરાણા ગામનું નામ સોમવારે ઈતિહાસમાં અંકિત થઈ જશે. અહીં તા.૨૭મીએ ઐતિહાસિક સર્વધર્મ અને સર્વજ્ઞાાતીય સમુહ લગ્નોત્સવમાં અધધ ૬૦૩ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. વિરાટ સમિયાણા ઉપરાંત ૧૮૦૦ મંડપમાં હિન્દુ- મુસ્લિમ સમાજનાં રીતિ-રિવાજ પ્રમાણે ધામધૂમથી વિવાહ અને નિકાહ થશે. એટલું જ નહીં, સૌથી મોટી જાન લઈને આવનાર પરિવારનું સન્માન કરાશે. દરેક કન્યાઓને ટ્રક ભરીને કરીયાવર પણ આપવામાં આવશે. જાનૈયા, માંડવિયા, સાધુ-સંતો અને આમંત્રિત મહેમાનો સહિત બે લાખથી વધુ લોકોનાં ભોજન માટે અત્યારથી જ મેગા રસોડું ધમધમવા લાગ્યું છે. ૨૦૦ જેટલા સ્વયંસેવકો છેલ્લા એક મહિનાથી આયોજનમાં લાગ્યા છે.
રાણાવાવ નગરપાલિકાનાં પ્રમુખ સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા તથા તેનાં પરિવાર દ્વારા આ સર્વજ્ઞાાતિ અને સર્વધર્મ સમુહ લગ્નોત્સવનું આયોજન સામાજીક જનજાગૃતિ અભિયાનનાં ભાગરૃપે સોમવારે હાથ ધરવામાં આવેલું છે. જેમાં પોરબંદર પંથકમાં યોજાતા સમુહ લગ્નોત્સવમાં પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં ૬૦૩ યુગલો એકી સાથે પ્રભુતામાં પગલા પાડશે. નેરાણા ગામે આવેલા સોનલઆઈ માતાના મંદિર પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. રાણાકંડોરણાથી પુતિઆઈમાંનાં આશ્રમ ખાતે આઈમાંની નિશ્રામાં યોજાનાર આ સમુહ લગ્નોત્સવમાં અનેક સંતો – મહંતો ખાસ હાજરી આપશે.
ટ્રક ભરીને કરીયાવર અપાશે
તા.૨૭નાં રોજ યોજાનાર સર્વધર્મ સમુહ લગ્નોત્સવમાં દિકરીઓને આણામાં ૪૦થી વધુ કીંમતી વસ્તુઓ આપવામાં આવશે. જેમાં તાવડીથી માંડીને ટીફીન સુધીનાં વાસણો તેમજ ફર્નિચર, પલંગ, ગાદલુ, કબાટ વગેરે પણ આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ આ લગ્નમાં આવનારી જાનમાં જે વરરાજાનો પરિવાર સૌથી વધુ વ્યક્તિાઓને જાનમાં લાવશે તેનું જાહેર સન્માન પણ કરવામાં આવશે અને પુરસ્કાર પણ આપવામાં આવશે.
ધર્મનાં રિતિરિવાજ પ્રમાણે લગ્નવિધી
અલગ- અલગ ધર્મનાં રીતી – રિવાજ અને માન્યતાઓ પ્રમાણે જ લગ્નો કરાવવામાં આવશે. જેમ કે, હિન્દુ સમાજનાં યુગલોને સાંદિપનીના ઋષીકુમારો શાસ્ત્રોકત વિધીવિધાન સાથે વિધી કરાવશે તો મુસ્લિમ યુગલોને મૌલવીઓ નિકાહ પઢાવશે. તમામ જ્ઞાાતિ અને જાતિ માટે અલગ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અવિરત મહાપ્રસાદી અને સંતવાણી
નેરાણા ગામે સર્વધર્મ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૨૪ કલાક સુધી અવિરતપણે રસોડુ ધમધમતું રહેેશે અને મહાપ્રસાદી ચાલુ જ રહેશે. ઉપરાંત સંતવાણી સહિત ધાર્મિક ધુન-ભજન અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક કલાકારો રંગ જમાવશે. મહેર સમાજનાં  બારોટશ્રીઓ મહેરજ્ઞાાતિનો ઈતિહાસ ઉજળો કરશે.
ખેડૂતોનો પણ સહકાર
સોનલઆઈ માતાજીનાં મંદિર પાસે આજુબાજુનાં ખેતર ધરાવતા ખેડુતોએ તેમની જગ્યાઓમાં મંડપો બાંધવા સહિત તમામ વ્યવસ્થાની તૈયારી બતાવી અહીંયા ૧૮૦૦ મંડપ માટે જાનનાં ઉતારા અને લગ્નવિધિ માટેની સુવિધાઓ પુરી પાડી છે.
સ્વયંસેવકો માટે વોકીટોકી
નેરાણામાં ટીમવર્કથી સમુહલગ્નોત્સવનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ત્યારે સ્વયંસેવકો માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે અને ટીમનાં લીડરોને ખાસ પ્રકારના વોકીટોકી આપવામાં આવ્યા છે. જેથી ૪૦૦ વિઘા જેટલી વિશાળ જગ્યામાં વ્યવસ્થા ગોઠવવા માટે અને અગવડતા થાય નહીં તે માટે સ્વયંસેવકોને આ પ્રકારની વોકીટોકી આપવામાં આવી છે.
૪૦૦ વિઘા જગ્યામાં ઉત્સવ
નેરાણા ગામે સોનલઆઈધામ મંદિર પાસે ૪૦૦ વિઘા જેટલી વિશાળ જગ્યામાં સમુહલગ્નોત્વ માટે વિશાળ સમીયાણો તથા મંડપ અને પાર્કીંગની સુવિધા માટે ખેડુતોએ પોતાની જગ્યા સ્વેચ્છાએ આપી છે. જેથી વિશાળ જગ્યામાં મહામહોત્સવ સોમવારે યોજાશે ત્યારે અનેરો માહોલ ખડો થશે.
૬૦ ફુટનાં નવા રોડનું નિર્માણ
પોરબંદરનાં રાણાકંડોરણાથી નેરાણા જતો રસ્તો સીંગલપટ્ટી છે અને એકી સાથે ૬૦૩ યુગલોનાં સમુહલગ્નોત્સવ યોજાવાનાં હોવાથી તેમાં સ્વભાવિક રીતે જ હજારો વાહનો ત્યાં ઉમટી પડશે, જેથી કોઈ અગવડતા અવર-જવરમાં સર્જાય નહીં તે માટે જયાં સમુહલગ્નોત્સવ યોજાવાનાં છે ત્યાંથી રાણાકંડોરણા સુધીનાં રસ્તા ઉપર અલગથી ખેડૂતોએ પોતાનાં ખેતરો ખાલી કરી દીધા છે અને આ ખેતરોમાંથી ૬૦ ફુટનાં પહોળા નવા રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એ રોડ ઉપરતી તમામ વાહનો પરત ફરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ખેલૈયાઓનાં દાંડીયારાસને ગીનાશ બુકમાં સ્થાન મળશે
પોરબંદરનાં નેરાણા ગામે યોજાનાર સર્વજ્ઞાાતિય સમુહ લગ્નોત્સવમાં અનોખો વિશ્વરેકોર્ડ પણ નોંધાવાનો હોય તેના માટે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ અને લીમ્કા બુક તથા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશીયા બુક ઓફ રેકોર્ડને જાણ કરવામાં આવી છે. જેમાં પંજાબનાં ભાંગડા રાસ સમુહમાં ૮૦૦ની સંખ્યામાં અગાઉ નોંધાયેલી છે તેની સામે મહેર દાંડીયારાસનો રેકોર્ડ લગ્ન સ્થળે જ મોટા મેદાન ખાતે થશે અને ૧૫૦૦ મહેર જવામર્દો પોતાનો ટ્રેડીશ્નલ ડ્રેસ પહેરીને મહેર દાંડીયારાસ રમશે જે એક વિશ્વવિક્રમ હશે અને તેની ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ થશે.
સમુહલગ્નોત્સવમાં દરેક જ્ઞાાતિ અને ધર્મનાં યુગલો
સમુહલગ્નનાં ૬૦૩ યુગલોની નોંધણી થઈ છે. જેમાં સૌથી વધુ વણકરજ્ઞાાતિનાં ૨૦૪ યુગલો ત્યારબાદ કોળીજ્ઞાાતિનાં ૧૧૩ યુગલો, મહેરજ્ઞાાતિનાં ૮૩ યગલો, મુસ્લિમ ધર્મનાં ૫૫ યુગલો, વાળંદજ્ઞાાતિનાં ૪૧ યુગલો, બાવાજીજ્ઞાાતિનાં ૨૭ યુગલો, દેવીપુજક જ્ઞાાતિનાં ૧૪ યુગલો, આહિરજ્ઞાાતિનાં ૧૨, બ્રાહ્મણજ્ઞાાતિનાં ૯, ખારવાજ્ઞાાતિનાં ૭, રાવળજ્ઞાાતિનાં ૬, લોહાણા, મોચી અને દરબારજ્ઞાાતિનાં ચાર-ચાર યુગલો, બારોટ તથા ખાંટજ્ઞાાતિનાં ૩ યુગલ, પટેલ, દરજી, કુંભાર અને ભોંય તથા ખવાસજ્ઞાાતિનાં બે-બે યુગલ અને કંસારા, લુહાર, જૈન તેમજ ચુનારાજ્ઞાાતિનાં એક યુગલનો સમાવેશ થાય છે.
૨૦૦ વર્ષ પહેલા ૭૦૦ દિકરીઓનાં સમુહલગ્ન થયા હતાં
આજથી ૨૦૦ વર્ષ પહેલાનાં સમયમાં વિસાવાડા ગામમાં જે બુઢ્ઢાઆતા કેશવાલા પરિવારનાં સપુતે સાતસો દિકરીઓનાં સમુહલગ્ન કરાવેલા સાથે – સાથે ગાડા કરીયાવર પણ કરેલો (ગાડા કરીયાવર એટલે જીવન જરૃરીયાતની બધી જ વસ્તુઓ) ફરી બસ્સો વર્ષ પછી એ જ સમાજનો ઈતિહાસ પુનરાવર્તન પામવા જઈ રહ્યો છે.
આગામી સમયમાં ૧૧૧૧ સમુહલગ્નનો પણ સંકલ્પ
આયોજક સામતભાઈ ઓડેદરાએ આવતા સમયમાં એક હજાર એકસો અગીયાર દિકરીઓનાં હવે પછી કન્યાદાન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી એમની શ્રધ્ધાભક્તી, કાર્યપુર્તીની પ્રબળ ઈચ્છાશક્તિ ખરેખર ધન્યવાદને પાત્ર છે તેવું સમુહલગ્નોત્સવમાં જોડાયેલા જણાવી રહ્યાં છે.

આજે સાંજીનાં ગીત અને દાંડીયારાસનો વિશેષ કાર્યક્રમ
રાણાવાવનાં નેરાણા ગામે પહેલી વખત ૬૦૩ સર્વજ્ઞાાતિ, સર્વધર્મ સમુહલગ્નોત્સવનું આયોજન થયું છે ત્યારે તે પૂર્વે તા.૨૬નાં રવિવારે સાંજીનાં ગીત અને દાંડીયારાસનો વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં દરેક જ્ઞાાતિની વિધી અનુસાર મંડપરોપણ, પીઠી અને પાટ બેસાડવા સહિત વિધીઓ થશે.

બે લાખ લોકોનાં ભોજન માટે ધમધમવા લાગેલું મેગા રસોડું
૨૫,૦૦૦ લીટર દુધનો ચા બનાવી પાઈપલાઈન મારફતે થશે વિતરણ!
પાણીનાં પાંચ લાખ પાઉચ ઉપરાંત મોટાપીપ તૈયાર ઃ ધર્મ પ્રમાણે ભોજનની પણ અલગ – અલગ વ્યવસ્થા
પોરબંદર,તા.૨૫
પોરબંદરના નેરાણામાં આધુનિક મશીન દ્વારા હજારો લીટર ચા એકસાથે બને તે પ્રકારનું આધુનિક મશીન ખેતરમાં ઉંડા ખાડા કરીને ગોઠવવામાં આવ્યું છે અને ચા માટે ૨૫૦૦૦ લીટર દુધનાં ટેન્કર મંગાવવામાં આવ્યા છે. ચા ઓટોમેટીક મશીન દ્વારાતૈયાર થઈને પાઈપલાઈન મારફતે જુદા – જુદા નળમાં પહોંચશે અને જે રીતે પાણીના નળ હોય છે એ જ રીતે ચાના નળ અહીંયા ફીટ કરવામાં આવ્યા છે.
નેરાણામાં અલગ- અલગ ધર્મ અને જ્ઞાાતિ પ્રમાણે ભોજનની અલગ- અલગ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુસ્લિમ ધર્મનાં લગ્નોત્સવમાં તેમની શાદીને છાજે તેવું ભોજન અલગથી તૈયાર કરવામાં આવ્યું છે તે જ રીતે જુદા – જુદા ધર્મ અને જ્ઞાાતિનાં ભોજનની અલગ – અલગ સગવડ કરવામાં આવી છે.
સોમવારે સમુહલગ્નોત્સવમાં બે લાખથી વધુ લોકો ભોજન લેશે. જેથી રસોડું ધમધમી રહ્યું છે અને રાજસ્થાનથી ખાસ તાલીમ પામેલા ૨૦૦ જેટલા કારીગરો રસોઈ બનાવી રહ્યાં છે. ટ્રેકટર ભરીને ગાંઠીયા, બુંદી બનાવવાની કામગીરી ચાલી રહી છે તે ઉપરાંત શીરો, રોટલી, ખીચડી, શાક, કઢી, છાશ અને સંભારો સહિતનાં મેનુ માટે હજારો કીલો ચીજવસ્તુઓ આવી ગઈ છે. ૬૦ હજાર લીટર છાશનાં ટેન્કરો મંગાવવામાં આવ્યા છે અને છ ફુટથી ઉંચા કદના મોટા ટોપ સહિત વાસણોમાં બે લાખ લોકોની રસોઈ સમુહમાં બનાવવાની કામગીરી ધમધમી રહી છે. ખેતરોમાં ઉંડા ખાડા કરીને મોટા ચુલા સળગાવી આ કાર્યવાહીમાં પણ અસંખ્ય સ્વયંસેવકો જોડાયા છે.
ઉનાળાના દિવસો ચાલી રહ્યાં છે ત્યારે પીવાનાં પાણીની કોઈને હેરાનગતિ વેઠવી પડે નહીં તે માટે પાણીનાં પાંચ લાખ પાઉંચની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, તે સિવાય પણ પાણીનાં મોટા પીપ પણ ગોઠવી દેવાયા છે. જેથી પીવાનાં પાણી માટે કોઈ હેરાન થાય નહીં તેવું વ્યવસ્થાત આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Read Full Post »

001

Read Full Post »

Image

સબ ટીવીએ તાજેતરમાં જ સબ કે અનોખે એવોર્ડનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સબ ટીવી પર પ્રસારિત થતી ટીવી સીરીયલ્સના તમામ કલાકારો અને રાઈટરો, દિગ્દર્શકો, પ્રોડ્યુસરો અને સીરીયલ્સ સાથે જોડાયેલ તમામ વ્યકિતી હાજર રહ્યા હતા.
સબ ટીવી પ્રસારીત તારક મહેતા કા ઉલ્ટા ચશમા, લાપતાગંજ, ચિડીયાઘર, એફ આર આઈ, ભાઈ ભૈયા બ્રધર જેવી સીરિયલ્સ ઘણી જ જાણિતી છે. અને દર્શકો કોમેડી સીરીયલ જોવાનું વધુ પસંદ કરે છે.
આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં આપણી જ્ઞાતિના યુવા રાઈટર શ્રીરાજુભાઈ ઓડેદરાને બેસ્ટ રાઈટર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ એવોર્ડ સ્વીકરતા રાજુભાઈ ઓડેદરા જણાવ્યું હતું કે, મને જે એવોર્ડ મળ્યો છે. તે સરસ્વતી માતાની કૃપા તથા ગોકુલધામ સોસાયટીના મારા પરીવાર સમાન સૌ કલાકારોને આભારી છે.
સબ કે અનોખે એવોર્ડ ફંકશનનું એન્કરિંગ શ્વેતા તિવારી અને જય સોનીએ કર્યું હતું. આ કાર્યક્રમને કલાકારોએ મસ્તીમાં મસ્ત થઈને એવોર્ડ ફંકશનને માણ્યું હતું. આ પ્રસંગે સુનિલ શેટ્ટી પણ ખાસ હાજર રહ્યો હતો.
તારક મહેતા કા ઉલટા ચશમા સીરીયલની સફળતા વિશેના પુછાયેલ પ્રશ્નના એક જવાબમાં રાજુભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ સીરીયલમાં એક સોસાયટીમાં દેશના વિવિધ રાજયોના પરીવારો રહે છે. બધાની ભાષા, ધંધો, રીત-રીવાજો અને ધર્મો જુદા જુદા હોવા છતા બધા એક જ પરીવારની જેમ રહે છે. તે ઉપરાંત આ સીરીયલમાં હાસ્ય પણ પીરસવામાં આવે છે. તેમજ ર્ધાિમક ઉત્સવો, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો, જળ બચાવો જેવા વિવિધ પ્રરણાદાયી વિચારો આ સીરીયલમાં સમાવેશ કરવામાં આવે છે. જે તેની સફળતાનું કમારણ છે.
અન્ય સીરીયલ અને તમારી સીરીયલમાં ફરક શું છે. તે પ્રશ્નના જવાબમાં રાજુભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આજે મોટા ભાગની સીરીયલોમાં સાસુ-વહુના ઝગડા, લવ સ્ટોરી કે જેમાં લોકોને કાંઈ પ્રેરણા મળતી નથી અમુક તો એવી સીરીયલો જોવા મળે કે સમાજ કે પરીવારનું વિભાજન થઈ જાય છે. જયારે તારક મહેતા કા ઉલટા ચશમા સીરીયલ સમાજને જોડવાનું કામ કરે છે. વાતના અંતે રાજુભાઈએ હાસ્યના બે શબ્દો કહેલ કે, જીવનમાં હસવું અને આપણા અને આપણને મળતા લોકોના ચહેરા પર હાસ્ય રેલાવવું આપણી ફરજ ગણીને જીવન જીવવું જોઈએ. જીવનમાં કોઈ પણ પરીસ્થિતી આવે પહેલા મનમાં હસી લો એક વાર પછી વિચારો શાંતિપૂર્વક જરૂર સમાધાન મળશે.
અત્રે વાચક મિત્રોને એ યાદ અપાવી કે, રાજુભાઈ ઓડેદરા ખુબજ સારી રીતે લખે છે. જેના કારણે તેમને સતત ત્રણ વર્ષથી આ એવોર્ડ મળે છે. રાજુભાઈ ઓડેદરાને તારક મહેતા કા ઉલટા ચશમાના લેખન માટે ત્રણ એવોર્ડ તેમજ તમીલભાષામાં ટેલીફિલ્મના લેખન બદલ બે એવોર્ડ મળ્યા છે. આમ રાજુભાઈએ પાંચ એવોર્ડ મેળવી મહેર સમાજનું ગૌરવ વધારેલ છે. જે બદલ મહેર એકતા અખબાર ગ્રૃપ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Read Full Post »

જુનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમીત્તે પૂ.ભાઈશ્રીનો ઉતારો વાડલા ફાટક ખાતે આવેલી પાર્થ એકેડમી ખાતે રાખવામાં આવેલ હતો.  ત્યારે પાર્થ એકેડમીના માલીક શ્રીપાર્થકુમાર કાળુભાઈ ઓડેદરાએ પૂ.ભાઈશ્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે પૂ.ભાઈશ્રીએ પાર્થ એકેડમીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સ્કુુલના સંચાલક કાળુભાઈ અને રૂડીબેન વિદ્યાર્થીઓને માતા-પિતા જેટલો જ પ્રેમ આપે છે. અહી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ રસ પડે તેવું યોગ્ય અને સારૂ વાતાવરણ પણ છે. તો પાર્થકુમાર પણ સારૂ સારૂ સંચાલન કરે છે. તેમ જણાવ્યું હતું.

Read Full Post »

અહેવાલઃ-મહેર એકતા ન્યુઝ
આપણી મહેર જ્ઞાતિમાં શોર્ય, ખુમારી, દાતારી, આવકાર જેવા અનેક ગુણો પથરાયેલા છે. અને તેમાંય ખાસ કરીને આજે આપણો સમાજ માત્ર પોરબંદર જ નહિ પરંતું દેશ અને વિદેશના સીમાડાઓ પાર કરી પોતાના ધંધા અને બીજનેશમાં આગળ પડતું સ્થાન ધરાવતો થયો છે. અને જે તે વિસ્તારમાં મહેર ન હોય તે વિસ્તારમાં પણ તે એવી રીતે ભળી જવાની પણ આવડત ધરાવતો થયો છે. તે વાતની પ્રતિતી અમોને કચ્છ ખાતે રહેતા રામભાઈ ખુંટીમાં જોવા મળી હતી.
તાજેતરમાં જ કચ્છના ભચાઉ તાલુકાના ખારોઈ ગામે પોતાની વાડીયે રામભાઈ ખુંટી દ્વારા તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બપોરના સમસ્ત ખારોઈ ગામનું સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ રાત્રીના ૮ કલાકે શ્રીસંત રાસ મંડળ-સીમર દ્વારા મણીયારો, તલવારની પટ્ટાબાજી, ઢાલ-તલવાર રાસ વગેરે રાસની રમઝટ બોલાવી હતી. આ રાસ દરમ્યાન પરબતભાઈ રાણાવાયા (સિંનપુરવાળા) અને રામભાઈ ભગત (મૈયારીવાળા)એ મહેરના દુહા-છંદ દ્વારા આપણી મહેર સંસ્કૃતિને ધબકતી કરી હતી. ત્યાર બાદ આપણી પ્રખ્યાત ભજનિક કલાકાર અને સંતવાણીના આરાધક શ્રીહિનાબેન મોઢવાડીયા, અને આપણી જ્ઞાતિના પ્રખ્યાત ભજન સમ્રાજ પરબતભાઈ રાણાવાયા તેમજ કોકીલકંઠી લલીતાબેન ઘોડાદરા અને સંતવાણી આરાધક, પરસોત્તમપરી ગોસ્વામીનો સંતવાણી સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
તેમજ તા.ર૮/૧ર/ર૦૧રને બુધવારના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ હતું જેમાં ભીખુદાનભાઈ ગઢવીએ લોકસાહિત્યની વાતો પીરસી હતી. તો લક્ષ્મણભાઈ બારોટ, નિરંજનભાઈ પંડયા અને લલીતાબેન ઘોડાદરાએ ભજનોની રંગત જમાવી હતી.
આમ રામભાઈ ખુંટીની વાડીયેએ બે દિવસીય ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મંજુલાબેન બાપોદરાએ કર્યું.

વિવિધ સમાજો દ્વારા રામભાઈ ખુંટીનું અને મહેર જ્ઞાતિની લેખીકા મંજુલાબેન બાપોદરાનું પણ સન્માન કરાયું.
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં તાજેતરમાં રામભાઈ ખુંટી દ્વારા સોનાની લગડી જેવી કિંમતી દોઢ કરોડની જમીન ગાય માતાને કાજે ગૌશાળામાં દાનમાં આપેલ હતી જેને લઈને આજે ખારોઈ ગામના ઉપસરપંચશ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ નવરાત્રી યુવક મંડળ, કચ્છ મિત્ર મંડળ, મુંબઈ વેપારી મંડળ, નારણભાઈ ગોવિદભાઈ ગામી, તે ઉપરાંત કકરવા, માનપોડ અને ખારોઈ ગામના જૈન સમાજના અગ્રણીઓ, આહિર સમાજ, કોળી સમાજ, રજપુત સમાજ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓએ રામભાઈ ખુંટી અને તેમના પરીવારનજનોનું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો સન્માનપત્રથી ભવ્ય સન્માન કર્યું હતું જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધું હતું.
તો કાર્યક્રમના બીજા દિવસે ખારોઈ ગામની બાજુમાં આવેલા મનફરા ગામમાં ગાયોના લાભાર્થે કચ્છના વતની અને મુંબઈ સ્થિત મહાજનપંચસંઘે રામભાઈ ખુંટીનું ગૌશાળાને જમીન અર્પણ કરવા બદલ અને મંજુલાબેન બાપોદરાનું મુબઈના પૂર્વ કમીશનર જી.આર .ખેરનાર સાહેબનું જીવન ચરીત્ર એકલો પથીક નામનું પુસ્તક જે મંજુલાબેન બાપોદરાએ લખેલ છે. તે બદલ અને ખુમારી સાહસવૃતિને બીરદાવતા તેમનું પણ વિશેષ સન્માન થયેલ આ બન્ને સન્માનને ભુખુદાન ભાઈ ગઢવીએ બહુ જ સારા શબ્દોમાં બિરદાવતા કહેલ કે, કચ્છની ધરતી પર કોઈ મહેર સમાજના વીરલાઓનું સન્માન થયું હોય તો કદાચ આ ઈતિહાસની પ્રથમ ઘટના હશે. અને એ મંચ પરથી રામભાઈને દાનવીર અને મંજુલાબેનને નારી રત્નના સન્માનથી નિરંજનભાઈ પંડાયાએ પણ નવાજયા હતા. અને ભીખુદાનભાઈ ગઢવીએ પોતાની આગવી શૈલીમાં મહેરની ખાનદાની, ખુમારી, ખુદદાની અને દાતારીના મન ભરીને વખાણ કર્યા હતા.
રામભાઈનો પશુ અને પક્ષી પ્રત્યેનો અનોખો પ્રેમ
રામભાઈ ખુંટી માત્ર દાનવીર જ નથી પરંતુ સાથે સાથે તેઓ પશુપ્રેમી પણ છે. તેથી તો તેમણે પોતાની જમીન ગાયોને અર્પણ કરી છે. રામભાઈ જેેટલા પશુપ્રેમી છે. એટલા જ પક્ષીપ્રેમી પણ છે. કારણ કે, તેમની વાડીયે કબુતરો, ચકલી સહિતના વિવિધ પક્ષીઓ રોજ ચણ ચણવા આવે છે. અને રામભાઈ પણ ઉઠીને પહેલા ચણ નાખે, પછી પશુ માટે પાણી ભરે અને તે પછી જ દાતણ અને નાસ્તો અને પુંજા-પાઠ ઈત્યાદી પ્રવૃતિઓ કરે છે. મહેર એકતા અખબારની ટીમે રામભાઈની વાડીની મુલાકાત લીધી ત્યારે રામભાઈના બે રૂમો તો પક્ષીઓના ચણ માટે જોવા મળ્યા હતા. અને એક મોટો ગોદામ ગાયો માટેની નિરણ પણ જોવા મળી હતી. આમ રામભાઈ ખરાઅર્થમાં દાનવીરની સાથે પશુ અને પક્ષીપ્રેમી છે.
મોટી સંખ્યામાં જ્ઞાતિઆગેવાનો હાજર રહ્યા..
ખારોઈ ગામે રામભાઈ ખુંટીની વાડીયે તા.ર૭/૧ર/ર૦૧રને મંગળવારના રોજ શ્રીરામદેવપીર મહારાજની પ્રસાદી અને ગાયોના લાભાર્થે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના આમંત્રણને માન આપીને સગા-સબંધીઓ, સ્નેહીજનો, તેમજ બરડા વિસ્તારના જ્ઞાતિ આગેવાનો, ઘેડ વિસ્તારના જ્ઞાતિઆગેવાનો, પોરબંદરના જ્ઞાતિ આગેવાનો, માણાવદર મેર સમાજના આગેવાનો, સીમર રાસ મંડળ, રાજકોટ મહેર સમાજના આગેવાનો, અમદાવાદ મહેર સમાજના આગેવાનોએ અને સમસ્ત કચ્છ મહેર સમાજ હાજર રહ્યા હતા.

સીમર રાસ મંડળનું થયું ઉદઘાટન
આ પ્રસંગે સીમર ગામની શ્રી સંત રાસ મંડળની ટીમે પ્રથમ વખત જ પોતાના કાર્યક્રમની શરૂઆત કચ્છની ધરતી પરથી કરી હતી. આ ટીમને પરબતભાઈ ઓડેદરા, માલદેભાઈ ઓડેદરા, નોઘણભાઈ ઓડેદરા દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે.
રામભાઈ મહેર સમાજનું નાક અને દાનવીર છે. -હિરાલીબેન રાજશાખા
રામભાઈ ખુંટીની વાડીયે યોજાયેલ રાત્રીના સંતવાણીના કાર્યક્રમમાં રામભાઈ ખુંટીના ભવ્ય સન્માન બાદ કચ્છના નલીયા ખાતે બાળ વિકાસ અધિકારી અને આપણી જ્ઞાતિના કલાસ-ર અધિકારી હિરાલીબેન રાજશાખાએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને સંબોધતા જણાવેલ કે, આ કચ્છની ધરા પર રામભાઈ ખરેખર જેમ દુધમાં સાકર ભળી જાય એ અહીના લોકો સાથે ભળી હળી અને મળી ગયા છે. રામભાઈ આપણી જ્ઞાતિના સાચા દાનવીર છે અને આપણા સમાજનું નાક પણ છે. તેમને જેટલા અભિનંદન આપીયે તેટલા ઓછા જ ખુબ ખુબ શુભેચ્છા કે તમારા હાથથી આવાને આવા સત્કાર્યો થતા રહે.

Read Full Post »

(અહેવાલ-મહેર એકતા-ગોસા)
મહેર સમાજમાં રચનાત્મક પરીવર્તન લાવવા અને જ્ઞાતિ સમાજનાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને એકયતા આવે તેવા શુભ આશયથી મહેર માધવપુર (ઘેડ) સમાજ દ્વારા જૂનાગઢ એસ.ટી. વિભાગીય કચેરીનાં કાર્યક્ષેત્રના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીઓને ફરજ દરમ્યાન સારી કામગીરીના પરિણામે મળેલ પ્રમોશન (બઢતી) મળેલ કર્મચારીઓનો સત્કાર સન્માન સમારોહ જૂનાગઢ એસ.ટી. વિભાગીય નિયામક ડી.એમ. જેઠવાના અધ્યક્ષ સ્થાને માધવપુર મહેર સમાજ ખાતે દબદબાભેર ઉજવાઈ ગયો હતો.
માધવપુર (મહેર સમાજ અને મહેર સમાજનાં એસ.ટી. કર્મચારી ભાઈઓનાં સંલગ્ને તા.૧૪-૧૧-૧૧ ના રોજ માધવપુર (ઘેડ) ખાતે આવેલ મહેર સમાજમાં જૂનાગઢ ડિવિઝનના કાર્યક્ષેત્રના જેતપુર બાંટવા, સોમનાથ માંગરોળ, પોરબંદર સહિત એસ.ટી. ડેપોમાં ફબજ બજાવતાં ડ્રાઈવર તેમજ કંડકટર તરીકે સુંદર યશસ્વી કામગીરી કરનાર મહેર સમાજનાં એસ.ટી. કર્મચારીઓને નોકરીમાં બઢતી (પ્રમોશન) મેળવેલા તેમાં ખાસ ડાયરેકટ એસ.ટી. ડેપો મેનેજરમાં સ્થાન પ્રાપ્ત કરનાર મહેર સમાજના ર૭ વર્ષીય યુવાન વયે ડેપો મેનેજર તરીકે સિધ્ધિ મેળવેલ જેતપુર ડેપોના ડેપો મેનેજર મિલન વાઢેર, માંગરોળ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સરમણભાઈ કડછાને એટીઆઈ તરીકે પ્રમોશન બાંટવા, પોરબંદર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મેરૂભાઈ વેજાભાઈ આગઠ (નવાગામ (રાજપર) વાળાને એટીઆઈ. તરીકે જૂનાગઢ પ્રમોશન મળતાં જયારે આવા જ પોરબંદર ખાતે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દેવશીભાઈ નાગાભાઈ મોઢવાડીયાને એટીઆઈ તરીકે સ્થાનિક પોરબંદરમાં જ પ્રમોશન મળતાં તેમજ કંડકટર તરીકે ફરજ બજાવતા રામભાઈ પુંજાભાઈ ઓડેદરાને સોમનાથ એસ.ટી.ડેપો ખાતે ટી.સી.માં પ્રમોશન મળતા ઉપરોકત તમામ મહેર સમાજનાં એસ.ટી.માં પ્રમોશન મેળવેલા કર્મચારીઓને મહેર સમાજનાં યુવા અગ્રણીઓમાં પોલાભાઈ દાસા, ભરતભાઈ પુજાભાઈ ઓડેદરા, ભનુભાઈ ઓડેદરા (કાસાબડ) ભુરાભાઈ તરખાલા, ભુરાભાઈ દાસા, જીવાભાઈ કરશનભાઈ આગઠ (ગોસા ઘેડ) નાગાભાઈ સહિતનાઓએ પ્રમોશન મેળવેલા મહેર સમાજનાં એસ.ટી.ના કર્મચારીઓનું શાલ તેમજ હારતોરા પહેરાવીને સન્માનીત કર્યા હતા.
આ એસ.ટી.ના કર્મચારીઓને સન્માનીત કરવાનાં કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મહેર સમાજનાં અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુંં. જેમાં જૂનાગઢ વિભાગીય એસ.ટી. કચેરીના ડી.સી. જેઠવા, ડી.ટી.ઓ એચ.એન.ખંભાલા વહીવટી અધિકારી જૂનાગઢના જોગલ, સુરક્ષા શાખાના શામળા પોરબંદર ડેપો મેનેજર મકવાણા, બાંટવા ડેપો મેનેજર ડાંગર તેમજ ગભરૂભા, દિલીપ રવૈયા, માંગરોળ એસ.ટી. મંડળના ડીરેકટર પરબતભાઈ તરખાલા તેમજ મહેર સમાજનાં યુવા અગ્રણી કાનાભાઈ સરમણભાઈ જાડેજા, રમેશભાઈ ઓડેદરા (પટેલ) એભાભાઈ વાઘ, મહેર એકતાના તંત્રીશ્રી રામભાઈ કડછા, સહિતનું પણ શાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ બાદ પ્રાસંગીક પ્રવચનમાં સન્માનિત જેતપુરનાં એસ.ટી.ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા મહેર યુવાન મિલન વાઢેરે જણાવ્યું હતું કે મહેર સમાજઆં અથાગ શક્તિઓ પડેલી છે. ત્યારે તે શક્તિને મુલવી સાચી દિશા તરફ વાળવામાં આવે તો મહેર સમાજ માટે કોઈ કામ કરવું અશકય નથી. પૈસો હોય સધ્ધરતા મળેલી હોય પરંતુ તેને યોગ્ય દિશા તરફ વાળવામાં, વાપરવામાં ન આવે તે નકામુ છે. મહેર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવી છે તે સરાહનીય છે. હું પણ વિદેશમાં ચાર વર્ષ લંડનમાં અભ્યાસ અર્થે સમય ફાળવી ચૂકયો છે. અને વિદેશમાં અભ્યાસ કર્યા બાદ સૌ પ્રથમ જામનગરના જામજોધપુર ખાતે આઈ.ટી.આઈ. માં પ્રિન્સીપાલ તરીકે નોકરી મેળવનાર પણ પ્રથમ રહયો છું પરંતુ તે નોકરીને તરછોડીને સમાજ સેવાની ભાવનાથી ર૭ વર્ષેની નાની ઉમરે કલાસ-૧ તરીકે એસ.ટી. વિભાગમાં ડેપો મેનેજર તરીકે આપ સૌના આશીર્વાદથી આ પદ પ્રાપ્ત કરેલ છે ત્યારે આ પદને શોભાવવા અને સમાજ સેવાની પ્રવૃત્તિમાં આપ સૌનો સહીયારો એસ.ટી. વિભાગમાં પણ મળતો રહેશે ત્યારે આ વિભાગમાં પણ સુંદર કામગીરી થતી રહેશે તેવી બાંહેધરી આપી હતી.
જયારે અધ્યક્ષસ્થાનેથી જૂનાગઢ વિભાગનાં ડી.સી.જેઠવા તેમના પ્રવચનમાં જણાવેલ કે જૂનાગઢ એસ.ટી. વર્તુળ કચેરીમાના જ તે ડેપોનાં મહેર સમાજનાં એસ.ટી.નાં કર્મચારીગણને સારૂ કામ ધ્યાને લઈને પ્રમોશન મળ્યું છે. તેવા કર્મચારીઓની કામ કરવાની શૈલીના વખાણ કર્યા હતા અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા કરવાની શૈલીના વખાણ કર્યા હતા. અને આવી સમાજ સેવાની સારી અને સગવડતા ભરી કામગીરીથી આમ જનતાને એસ.ટી. તરફ વધુ લાભ મળશે અને સુંદર સેવા પુરી પાડીશું ત્યારે મહેર સમાજનાં જે કર્મચારીગણને પ્રમોશન મળ્યું તેનું સ્થાન બળવતર શોભાવતા રહે તેવી શુભકામના પાઠવી હતી.
જયારે મહેર સમાજનાં યુવા નેતા રમેશભાઈ ઓડેદરા (પટેલ) એ તેમનાં પ્રવચનમાં મહેર સમાજ ખડખલ અને ધૈર્યવાન કોમ છે. ત્યારે આપણામાં રહેલી શક્તિને યોગ્ય દિશા તરફ વાળવામાં આવે તો જેતપુરના ડેપો મેનેજર તરીકે સ્થાન મેળવેલ મિલન વાઢેરની જેમ ઉચ્ચ પદવી મેળવવી અઘરી નથી.
શિક્ષણમાં હકારાત્મક અભિગમ અને શીખેલું જ્ઞાન આચરણમાં મૂકીને ભારતીય સંસ્કારનું શિસ્ત ધ્યાને રાખી મહેર સમાજ ચાલે તો આપણા માટે ખુબ સારી બાબત છે. અને સમાજ શૈક્ષણિક રીતે જાગૃત બન્યો છે ત્યારે આ વિરલા ઉચ્ચ પદવી સુધી પહોંચ્યા છે. તેઓને બિરદાવવાનું કામ માધવપુર(ઘેડ) મહેર સમાજનાં આગેવાનોની એસ.ટી.ના મહેર સમાજનાં કર્મચારી ભાઈઓએ કરેલ છે તેને બિરદાવેલ.
આ પ્રસંગે મહેર સમાજનાં આમંત્રીત મહેમાનો તથા એસ.ટી.ના વિશાળ સંખ્યામાં કર્મચારી મહેર સમાજનાં ભાઈઓ હાજરી આપી સન્માન સમારોહને પીઠબળ પુરી પાડયું હતું. સન્માન સમારોહ બાદ સ્વરૂચી ભોજનનો સૌએ રસાસ્વાદ માણ્યો હતો. સમગ્ર સન્માન સમારોહનું સુંદર સંચાલન પોરબંદર નાગરિક બેંકના રાજુભાઈ સામાણીએ તેમની આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માધવપુર મહેર સમાજના કાર્યકર્તા તેમજ એસ.ટી.ના મહેર સમાજ કર્મચારી ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. આભાર વિધિ ભરતભાઈ પુંજાભાઈ ઓડેદરાએ દુહા છંદના માધ્યમથી અનોખી રીતે કરી હતી.

Read Full Post »

Older Posts »