Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘તંત્રીલેખ’

||સુવિચાર||

અશુભ સંસ્કારોને દુર કરી શુભ સંસ્કારોનું વાવેતર કરાવે તેજ સાચો ધર્મ

||જાણવા જેવું||

ઓડેદરા શાખાના મહેર લોકોએ ઓડદર ગામમાં સને:૧૩૮૧ ની સાલમાં વસવાટ  કરેલો. (માહિતી: નાથા વીસા ઓડેદરા-એરડા)

||સોરઠી મરચું||

મુંબઇમાં પંદરમી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ રીમોટ કંટ્રોલથી ફરકાવાયો……. ન્યુઝ પેપર

સારૂં છે રાષ્ટ્રધ્વજ રીમોટ દ્વારા ફરકાવાયો. સલામી પણ રીમોટ દ્વારા દેવાનું શરૂ ન થાય તો સારૂં નહીંતર પછી બાકી રહેશે શું?——સમીક્ષકો

||તંત્રી સ્થાનેથી||

                                               કર્મથી દૂર ભાગવું એ પણ કાયરતા જ છે

                                            યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિભારત

                                          અભ્યુત્થાનમધર્મસ્ય તદ્દાત્માનં સૃજામ્યહમ

આજે દેશની જે હાલત છે એ જોતા એવો વિચાર આવે કે હવે આપણી રક્ષામતી ઇશ્વરનાં હાથમાં છે. ભગવાન કૃષ્ણનાં સમયમાંતો એકજ કંસ સામે લડાઇ હતી આજે તો કંસના ઘણા અવતારો સામે લડાઇ છે. આતંકવાદ,જ્ઞાતિવાદ,પ્રદેશવાદ,ત્રાસવાદ,ભાષાવાદ આ બધાની શાથે ભ્રષ્ટાચારી માનસ તો ખરૂંજ. હવે વિચારો આટલાં બધા દુષ્ટો સામે લડવું અઘરું નહીં અશક્ય ગણાય.

આજનાં નેતાઓ અધિકારીઓ અને આમ સમાજને આજે ચિંતનનો સમય છે કે આજે દેશ આખો વિષમ ત્રીભેટે ઉભો છે. સંસદમાં સરેઆમ લોકશાહી વેચાય છે.રાજ્યમાં નીતીના ધજાગરા ઉડે છે. યત્ર,તત્ર,સર્વત્ર આતંકની ભૂતાવળ છે.

અબજના દેશમાં ક્યાંય સુભાષ કે સરદાર નથી.

ચિંતન અને મંથનની આ ઘડી છે. કેવો સમયકાળ આવ્યો છે? દેશની દશા સારી નથી અને દિશા પણ નથી. દેશ આજે વળાંકે ઉભો છે…ઉભો નથી લથડિયા ખાય છે.

રાજકિય હિત સામે રાષ્ટ્રહિત ગૌણ બની ગયું છે. સિદ્ધાંતો સ્વાર્થ સુધી સીમિત થઇ ગયા છે. નિષ્ઠાનું બાષ્પીભવન થઇ ગયું છે. પ્રમાણિકતાનાં પ્રમણને જાણે કે કોઇ બંધ નથી.

આ એજ ભારતવર્ષ છે જ્યાં પાંચ પાંડવ કૌરવની લાખોની સેનાને નષ્ટ કરી ઇન્દ્રપ્રસ્થનું ભાગ્ય બદલી નાખવાની ક્ષમતા ધરાવતા હતા. આ એજ ભારત છે જ્યાં રાજાઓથી વધુ આદર ઋષિઓને મળતો હતો. બાદશાહથી વધુ માન ફકીરોને અપાતું હતું. સવાલ એટલોજ છે કે, એવા યુગપુરૂષનો આવિર્ભાવ ક્યારે થશે? પ્રજા નિતાંત ઝંખે છે એક યુગપુરૂષને અને હે યોગેશ્વર..ભલા તું કેમ ભૂલે છે, તેં તો હે પરમેશ્વર વચન આપ્યું છે.

                                            યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિભારત | 

                                          અભ્યુત્થાનમધર્મસ્ય તદ્દાત્માનં સૃજામ્યહમ ||

એ દયાવાનનો શંખનાદ અવશ્ય થશે, બસ એજ ચાહના છે. જે ઝંખના છે. અને એ શંખનાદ થશે ત્યારે આ સુવર્ણભોમકાની દશા બદલતા વાર નહીં લાગે. દિશા બદલાતા પળ નહિં થાય.

દેશમાં લોકતંત્રની દ્રોપદીના ચીરનું સરેઆમ વસ્ત્રાહરણ થઇ રહ્યું હતું, એ શરમજનક ઘડીએ ભલે કૃષ્ણાગમન ન થયું પણ કૃષ્ણના જન્મનું નિમિત્ત તો એ પળ જ બની અને એટલે જ કહેવું રહ્યું.. લખવું રહ્યું કે, યુગપુરૂષ આવશે.. યુગપુરૂષ આવી રહ્યા છે.. ધર્મ અને નીતિની હાની જેટલી થવાની હતી તેટલી થઇ ગઇ હવે તો વિધાતા પણ ધીરજ ધરી શકે તેમ નથી. અને એટલે જ હ્રદય હાશકારો આપે છે. અને એટલેજ વિશ્વાસ જાગે છે કે, કૃષ્ણ હવે સમય છે જન્મ લે..

||સમાચાર સાર||

* પોરબંદર ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો :

મહેર સુપ્રિમ કાઉન્સિલની પાંખ મહેર સોશ્યલ ગૃપ પોરબંદર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ, પોરબંદર ઝુંડાળા ખાતે આવેલ મહેર જ્ઞાતિ ભવનનાં સભાખંડમાં મહેર જ્ઞાતિનાં શિક્ષણ તથા રમતગમત ક્ષેત્રે તેજસ્વી એવા ૬૦૪ વિદ્યાર્થી ભાઇ બહેનોનો સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે જ્ઞાતિનાં મહાનુભાવો, વડીલો,આમંત્રીત મહેમાનો તથા વિદ્યાર્થી ભાઇ બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રસંગને દિપાવ્યો.

આ સન્માન સમારોહની શરૂઆત મહેર જ્ઞાતિ સમાજનાં સંત શિરોમણી પૂ.શ્રી માલદેવબાપુની છબી આગળ મહાનુભાવોએ દીપ પ્રગટાવી અને કરી હતી. વિદ્યાર્થી ભાઇ બહેનોને જ્ઞાતિ આગેવાનો અને મહાનુભાવોના હસ્તે શિલ્ડ,મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમનું સફળ સંચાલન દેવાભાઇ ભૂતિયા તથા રામદેવભાઇ મોઢવાડીયાએ અને આભારવિધી પરબતભાઇ ઓડેદરાએ કરેલ………(મહેર એકતા)

* કુછડી શાળાની છાત્રાઓ બાળકોની હરિફાઇમાં ઝળકી :

પોરબંદર તાલુકા કક્ષાની શાળાકીય અને બાળ એથલેટીક્સ સ્પોર્ટસમાં ગ્રામ્ય પંથકની કુછડીની “શ્રીમતિ લીરીબેન ફોગાભાઇ કેશવાલા હાઇસ્કુલ”ની છાત્રાઓ તેમજ છાત્રોએ મેદાન મારતા જુદાજુદા આગેવાનોએ આ બાળકોને બિરદાવ્યા હતા.

બરછીફેંક, ૧૦૦મી. દોડ, ૨૦૦મી. દોડ, ૪૦૦મી. દોડ, વિઘ્નદોડ, ચક્રફેંક, વાંસ કુદ, હથોડાફેંક, ઉંચીકુદ, લાંબીકુદ, બરછીફેંક અને ૧૫૦૦મી. દોડ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ તથા દ્વિતિય ક્રમે આવેલા રમતવીરોને શ્રી ચામુંડા કેળવણી ઉત્કર્ષ મંડળ-કુછડીનાં પ્રમુખ શ્રી સુકાભાઇ કુછડીયા, આચાર્ય શ્રી રમેશભાઇ જોષી, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રીઓ, શાળાનાં શિક્ષકો અને વ્યાયામ શિક્ષક શ્રી અરશીભાઇ કુછડીયાએ બિરદાવ્યા હતા…….(મહેર એકતા)

* જામનગરમાં અદ્યતન હોટેલ ફોર્ચ્યુન પેલેસનો ધમાકેદાર શુભારંભ :

જામનગરની જનતાને નવા નઝરાણા તથા જ્ઞાતિને ગૌરવ સમાન, તા:૧૧-૮-૦૯નાં રોજ દિગ્જામ સર્કલ પાસે આવેલ હોટલ ફોર્ચ્યુન પેલેસનું ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હોટલનાં માલિક કેશુભાઇ સવદાસભાઇ ખીસ્તરીયા અને અરશીભાઇ મુળુભાઇ કારાવદરાએ સૌનું સ્વાગત કર્યું. આ પ્રસંગે રાત્રીનાં શ્રી ભીખુદાન ગઢવી તથા અન્ય કલાકારોએ લોકસાહિત્ય તથા ભજનોની સરવાણી વહાવી હતી….(મહેર એકતા)

 

 

Advertisements

Read Full Post »